શીર્ષક: તોત્તો-ચાન
લેખક: તેત્સુકો કુરોયાનાગી
અનુવાદ: રમણ સોની
મૂળ જાપાની ભાષામાં લખાયેલું આ પુસ્તક બીજી અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.
તોતો-ચાન પુસ્તક ની નાયિકા તેત્સુકો કુરોયાનાગીએ પોતાના શાળા- જીવનના સંસ્મરણો અને સત્ય ઘટનાઓ નાની નાની પ્રસંગ કથાઓ રૂપે રજૂ કરી છે. વાત છે નાયિકા તેત્સુકો કુરોયાનાગી એટલે કે તોતો-ચાનની 'ખરાબ, નઠોર છોકરી' માંથી 'તું સાચે જ ખૂબ સારી છોકરી છે' સુધીની સફર.
નટખટ, ચંચળ અને જીજ્ઞાસુ તોતો-ચાનના મનમાં 'તોમોએ' નામની નવી શાળાના બે ઝાડનું બનેલું પ્રવેશદ્વાર તથા રેલવેના ડબ્બામાં ચાલતા વર્ગખંડ જોઈને આનંદ તથા અચરજનુ મોજું ફરી વળે છે. શાળાના હેડમાસ્તર કોબાયાશી ખૂબ જ પ્રેમાળ અને કલ્પનાશીલ હતા. બાળકોને મુકત વાતાવરણ અને સમતોલ આહાર મળે એની ખાસ કાળજી લેતા હતા. શ્રી કોબાયાશીના જાપાન અને અમેરીકાના યુધ્ધની વિષમ પરિસ્થિતિમાં પણ શાળાનું વાતાવરણ જીવંત અને ભયમુક્ત રહે એવા પ્રયત્ન રહેતા.
ઈ.સ. ૧૯૪૫ માં ટોકિયો પર હવાઈ હુમલો થયેલો ત્યારે આગ લાગેલી ને એમાં તોમોએ શાળા ભસ્મીભૂત થઈ ગયેલી, ત્યારે શ્રી કોબાયાશી ફરી પોતાની આદર્શ શાળા સ્થાપવાનું સ્વપ્ન સેવે છે પરંતુ એ સ્વપ્ન વાસ્તવિકતા માં પરિણમે એ પહેલાં ઓગણસિત્તેરની વયે અવસાન પામે છે, પરંતુ શ્રી કોબાયાશી, એમનો સ્નેહાળ સ્વભાવ અને અનેરી શિક્ષણ પધ્ધતિ એમના વિધ્યાર્થીઓમા તથા એમની જ વિધ્યાર્થી દ્વારા લખાયેલ પુસ્તક સ્વરૂપે જીવંત રહેશે.
એક વિધ્યાર્થીએ એના શિક્ષક વિશે લખેલું પુસ્તક દરેક શિક્ષકે અચૂક વાચવા જેવું છે!